Study Abroad માટે ઘણાં દેશો પ્રખ્યાત છે. પરંતુ હવે આ દેશોમાં અભ્યાસ કરવા માટે જવાનો ક્રેઝ ઘટી રહ્યો છે. સરકારનો ડેટા પણ આની સાક્ષી પૂરે છે.
ઉજ્જવલ ભવિષ્ય
Study Abroad માટે ભારતીય વિદ્યાર્થીઓમાં હંમેશા ખાસ્સો ક્રેઝ જોવા મળી રહ્યો છે. પરંતુ ધીરે-ધીરે આ ક્રેઝ ઓછો થઈ રહ્યો છે. અને હવે ભારતીય વિદ્યાર્થીઓમાં વિદેશ જઈને અભ્યાસ કરવાનું ચલણ ઘટ્યું છે. આ અમે નથી કહી રહ્યા, પરંતુ સરકારી ડેટા આ વાતની સાબિતી આપી રહ્યા છે. અમેરિકા હોય કે બ્રિટન કે પછી ઓસ્ટ્રેલિયા, છેલ્લાં 10 વર્ષોમાં ભારતીય વિદ્યાર્થીઓ લાખોની સંખ્યામાં આ દેશોમાં અભ્યાસ માટે ગયા છે. કેટલાંક એવા પણ વિદ્યાર્થીઓ છે, જેઓ યૂરોપમાં અભ્યાસ માટે ગયા છે. કારણ કે ત્યાં અભ્યાસ માટે ખર્ચ ઓછો આવે છે.

એન્જીનિયરિંગ, મેનેજમેન્ટ હોય કે પછી આર્ટિફિશિયલ ઇન્ટેલિજ્ન્સ, દરેક પ્રકારનાં કોર્સનાં અભ્યાસ માટે ભારતીયોએ વિદેશને પ્રાથમિકતા આપી છે. જોકે, સંસદમાં રજૂ કરવામાં આવેલા હાલના ડેટામાં એવું જાણવા મળ્યું છે કે, વિદ્યાર્થીઓને Study Abroad માટે જવાનો ક્રેઝ હવે ધીરે-ધીરે ઓછો થઈ રહ્યો છે. રાજ્યસભામા લેખિત જવાબમાં, કેન્દ્રીય શિક્ષણ રાજ્યમંત્રી સુકાંતા મજૂમદારે એવા આંકડાઓ જાહેર કર્યા છે, જે હાયર એજ્યુકેશન માટે Study Abroad માટે જનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત ઘટાડો દર્શાવે છે. છેલ્લાં ત્રણ વર્ષમાં આ ઘટાડો સૌથી વધુ જોવા મળ્યો છે.
વિદેશ જનારા વિદ્યાર્થીઓની સંખ્યા 31% ઘટી
મંત્રી દ્વારા આપવામાં આવેલા આંકડાઓમાં જણાવામાં આવ્યું છે કે, 2023માં 9.08 લાખ ભારતીય વિદ્યાર્થીઓ Study Abroad માટે ગયા હતા. 2024માં આ સંખ્યા ઘટીને 7.7 લાખ પર આવી ગઈ અને 2025માં તેમાં મોટો ઘટાડો જોવા મળ્યો અને તે સંખ્યા ઘટીને 6.26 પર પહોંચી ગઈ. આ રીતે 2 વર્ષ દરમ્યાન વિદેશ જનારા ભારતીયોની સંખ્યા 31% સુધી ઘટી ગઈ. બે વર્ષની અંદર જ વિદેશ જનારા વિદ્યાર્થીઓમાં લગભગ ત્રણ લાખનો ઘટાડો થયો છે. વિદ્યાર્થીઓની સંખ્યામાં થઈ રહેલો ઘટાડો ચિંતાનો વિષય બન્યો છે, કેમકે હજી પણ ઘણાં વિદ્યાર્થીઓ વિદેશ જવા માંગે છે.
સરકારે જણાવ્યું વિદ્યાર્થીઓ કેમ નથી જવા માંગતા વિદેશ?
કેન્દ્રીય શિક્ષણ રાજ્યમંત્રી સુકાંતા મજૂમદારનું કહેવું છે કે, વિદેશમાં અભ્યાસ કરવો તે દરેક વિદ્યાર્થીઓનું સ્વપ્ન હોય છે. જે ઘણાં ફેક્ટર્સ પર આધાર રાખે છે. તેમણે જણાવ્યું કે, ‘Study Abroad માટે જવું એ વ્યક્તિગત ઇચ્છા અને પસંદગીનો મામલો છે, જે ઘણાંબધા ફેક્ટર્સ પર આધાર રાખે છે. જેમકે, સામર્થ્ય, બેંક લોનની ઉપલબ્ધતા, વિદેશી સમાજની માહિતી, કોઈ ખાસ કોર્સ માટેની યોગ્યતા વગેરે…’ તેમણે જણાવ્યું કે, સરકારે છેલ્લાં કેટલાંક વર્ષોમાં એવા પગલાં ભર્યા છે, જેનાં લીધા વિદેશ જનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે.
મંત્રીએ જણાવ્યું કે, કેવી રીતે નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP) 2020 દ્વારા શિક્ષણ વ્યવસ્થામાં સુધારો કરવામાં આવ્યો છે. આના લીધે ભારતીય યૂનિવર્સિટીની ગુણવત્તા સુધરી છે અને તે દુનિયાભરમાં સ્પર્ધા કરી શકે છે. NEP હેઠળ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરવામાં આવ્યું છે, માન્યતા આપવાની વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે. રિસર્ચ અને ઇનોવેશનને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે અને ડિજિટલ એજ્યુકેશનનો વ્યાપ વધારવામાં આવ્યો છે. આ બધી બાબતેને લીધે હવે ભારતીયો માટે વિદેશ અભ્યાસ એટલો લોભામણો નથી રહ્યો.
સુકાંતા મજૂમદારનું કહેવું છે કે, વૈશ્વિક સ્તરની શિક્ષણ વ્યવસ્થાને ભારતમાં લાવવા માટે અન્ય કેટલાંક પગલાં પણ ભરવામાં આવ્યા છે. જેમકે, વિદેશી યૂનિવર્સિટીઓને ભારતમાં કેમ્પસ શરૂ કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે. હજી સુધી 14 યૂનિવર્સિટીઓનું એપ્રુવલ પણ મળ્યું છે, જેમાંથી પાંચને ગુજરાત ગિફ્ટ સિટીમાં ઓપરેટ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ રીતે જે શિક્ષણ માટે વિદ્યાર્થીઓને પહેલાં વિદેશ જવું પડતું હતું, તે શિક્ષણ હવે તેમને સરળતાથી ભારતમાં જ મળી રહ્યું છે.
આ જ પ્રકારની કારકિર્દી લક્ષી માહિતી આપ અમારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/@UjjavalBhavishyaNews પરથી પણ મેળવી શકો છો.

