એક નવી પહેલ

મિત્રો, ઘણાં સમયથી મનમાં એક વાત ચાલતી હતી કે, સમાજ માટે કાંઈક કરવું છે. અને તેમાં પણ વિદ્યાર્થીઓને ભણવામાં કાંઈ મદદરૂપ થઈ શકાય એવી કોઈ શરૂઆત કરવી છે. હું પોતે જ્યારે ધોરણ-10ની પરીક્ષા આપીને પાસ થયો ત્યારે મને કોમર્સ લેવું, આર્ટ્સ લેવું કે સાયન્સ લેવું તેની કોઈ ગતાગમ નહોતી પડતી, કારણ કે મારા ફેમિલીમાં કોઈ વ્યક્તિ ભણેલું નહોતું. ત્યારથી જ મારા મનમાં એક વિચાર રમતો હતો કે, એવી કોઈ શરૂઆત કરવી છે કે જેનાથી વિદ્યાર્થી મિત્રોને પોતાની કારકિર્દી અંગે જો કોઈ પ્લાનિંગ કરવું હોય તો તેને જોઈતી બધી જ માહિતી એક જગ્યાએથી મળી રહે. પૈસા તો જીવનમાં દરેક કામમાં મળી જ રહે છે. પરંતુ સાચું કે ખોટું કરીને પણ લોકો કમાતા જ હોય છે. પરંતુ એવું કોઈ કામ કરવું હતું કે, જેનાથી પૈસા ભલે ઓછા મળે પરંતુ આત્મસંતોષ પૂરો મળે. આ ઉપરાંત બીજી એક સમસ્યા છે પ્રાઇવેટમાં જોબ કરતાં લોકોની કે જેઓ બીજી સારી તકની શોધમાં હોય છે. આજે ખાનગી કંપનીઓના માલિકો જેઓ સારા ટેલેન્ટની શોધમાં હોય છે. અને ખાનગી કંપનીઓમાં પોતાના કૌશલ્યથી સારી જોબ શોધતા ટેલેન્ટેડ લોકો વચ્ચે પણ એક માધ્યમનું કામ કરવાની ઇચ્છા છે. એકાદ-બે અંક પછી પ્રાઇવેટ જોબ્સ અંગે પણ માહિતી આપવાની શરૂઆત કરવાની ઇચ્છા છે. જેથી ન માત્ર સરકારી પરંતુ પ્રાઇવેટ જોબમાં પણ સારા સ્કોપ લોકોને અહીંથી જ મળી રહે. તો બીજી તરફ પ્રાઇવેટ કંપનીઓના માલિકોને પોતાને જોઈતી સ્કીલવાળા લોકો માર્કેટમાંથી મળી રહે. આ રીતે તેમની વચ્ચે પણ સેતુ બનવાનું પ્લાનિંગ છે. જેથી આવનારા સમયમાં શિક્ષણ અને રોજગાર બંને દિશામાં સારું કામ થઈ શકે. આપ વાચકોના સહકારથી આજથી આ મારું નવું સોપાન શરૂ કરી રહ્યો છું. આશા રાખું છું કે, વાચકોના તરફથી સારામાં સારો સહકાર મને મળી રહેશે, જેથી શિક્ષણ અને રોજગારમાં મદદરૂપ થવાનાં ધ્યેય સાથે શરૂ કરેલું આ અખબાર વધુમાં વધુ જરૂરિયાત ધરાવતા લોકો સુધી પહોંચે અને તેમને વધુને વધુ ઉપયોગી સાબિત થાય. આપણે ન માત્ર અખબાર પરંતુ વેબસાઇટના માધ્યમથી પણ આ કામ કરી રહ્યાં છીએ. આજના ટેકનોલોજીના યુગ જો યુવા વર્ગ સાથે કામ કરવું હોય તો ટેકનોલોજી સાથે કદમથી કદમ મિલાવ્યા વિના ચાલે જ નહીં, મોબાઇલ અને કોમ્પ્યુટરના આ યુગમાં યુવાઓ સુધી પહોંચવા માટે વેબસાઇટ વગર તો ચાલે જ નહીં. માટે આપણે એક ન્યૂઝ વેબસાઇટ પણ શરૂ કરી છે. જેથી ઉજ્જવલ ભવિષ્ય દરેક વિદ્યાર્થીઓ કે જોબ ઇચ્છનાર લોકોના આંગળીના ટેરવે આવી જાય. હું આશા રાખું છું કે વિદ્યાર્થીઓ અને નોકરી વાંચ્છુક લોકો આ માધ્યમનો સારામાં સારો ઉપયોગ કરશે, જેથી તેઓને પોતાના જીવનમાં પણ ફાયદો થાય અને અમને વધુ સારી રીતે આગળ વધવાની પ્રેરણા મળે. હવેથી દર પંદર દિવસે શિક્ષણ તથા રોજગારને લગતી સારામાં સારી માહિતી અમે આપના સુધી પહોંચાડતા રહીશું અને આપ પણ પોતાના ભવિષ્યમાં આગળ વધવા માટે આ માધ્યમનો વધુમાં વધુ સારો ઉપયોગ કરશો તેવી આશા આપના તરફથી રાખી રહ્યો છું.
લિ. હિરેન ઠક્કર (તંત્રી)
(અંક-1) તા. 1-12-2025

